ભારતમાં શનિવારથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે ત્યારે વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશોમાંના એક ભારતે પડોશી દેશોને કોરોના રસીના બે કરોડ ડોઝ પૂરા પાડવાની યોજના બનાવી છે. આ સાથે ભારતે વિશ્વના દેશોને કોરોનાની રસી પૂરી પાડવાની નીતિ તૈયાર કરી છે. જોકે, હાલ આ બાબત અંગે વિચારણા ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા સંચાલિત કંપની સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક પાસેથી રસી ખરીદશે અને નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સેસેલ્સ અને મોરેશિયસને પૂરી પાડશે. આ દેશોને રસીના કેટલાક ડોઝ સહાયના ભાગરૂપે મફતમાં અપાશે. આગામી બે સપ્તાહમાં રસીઓની પહેલી બેચ રવાના કરાશે. ત્યાર પછી ભારત સરકાર લેટિન અમેરિકા, આફ્રિકા અને ભૂતપૂર્વ સોવિયેત રિપબ્લિક્સને રસીઓ પૂરી પાડશે. 12થી 14 દેશોએ ભારતની બાયોટેક વેક્સીનમાં રસ દાખવ્યો. દુનિયામાં સૌથી સસ્તી રસી ભારતે બનાવી છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન સાથે ભારતમાં કોરોનાના અંતની શરૂઆત
કોરોના મહામારીથી બચવા માટે શનિવારથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી રસીકરણ અભિયાન સાથે ભારતમાં કોરોનાના અંતની શરૂઆત થશે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના પરિસર નિર્માણ ભવનમાં સ્થાપિત કોવિડ કંટ્રોલ રૂમની મુલાકાત લેતાં હર્ષવર્ધને દેશમાં શનિવારથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનની તૈયારીઓની સમિક્ષા કરી હતી. દેશમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે ૩ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાશે.

દેશમાં કોરોના સામેની લડાઈમાં શનિવારથી નિર્ણાયક તબક્કો શરૂ
પ્રત્યેક કેન્દ્ર પર પહેલા દિવસે ૧૦૦ લોકોને રસી અપાઈ રહી છે. જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુધિર ભંડારી રાજસ્થાનમાં કોરોનાની રસી લેનારા સૌપ્રથમ વ્યક્તિ બનશે જ્યારે મધ્ય પ્રદેશમાં હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડ અને એક એટેન્ડરને સૌપ્રથમ રસી અપાશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના સામેની લડાઈમાં શનિવારથી નિર્ણાયક તબક્કો શરૂ થશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં શનિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારી વિરુદ્ધની લડાઈનો આ અંતિમ તબક્કો છે. હું તો કહું છું કે આ કોરોનાના અંતની શરૂઆત છે, જે શનિવારથી શરૂ થઈ રહી છે.
કોરોના રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
ભારતમાં શરૂ થનારું કોરોના રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારે બધી જ તૈયારીઓ કરી લીધી છે. જોકે, આ સમયે સ્વાસ્થ્ય મંત્રીએ ચેતવણી આપી હતી કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવી ગઈ છે અને રસીકરણ અભિયાન શરૂ થવા છતાં લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે. તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં ચાલે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કોરોનાના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની તૈયારીઓ પણ કરી હતી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્માણ ભવન પરિસરમાં બનાવાયેલા વિશેષ કોવિડ-૧૯ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે એક રસીકરણ કેન્દ્ર પર એક સત્રમાં ૧૦૦ લોકોને રસી અપાશે. મંત્રાલયે કહ્યું કે તબક્કાવાર પ્રાથમિક્તાના જૂથના લોકોને રસીના ડોઝ અપાશે. આઈસીડીએસ કર્મચારીઓ સહિત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા સ્વાસ્થ્ય કર્મચારીઓને આ તબક્કામાં રસી અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ સ્વાસ્થ્ય દેખભાળ સેવામાં મજબૂતી લાવશે.