નિયંત્રણો હળવા કરવા સરકારની વિચારણા

ભુજ : કમૂરતાના કારણે લગ્ન સહિતના પ્રસંગોને બ્રેક લાગી ગઈ હતી. પરંતુ મકરસંક્રાંતિ બાદ કમુરતા ઉતરવાની સાથે જ સેંકડો લગ્નોના મુહૂર્તો શરૂ થઈ ગયા છે, તો હવે વેક્સિન લાગવાની શરૂઆત પણ થઈ ગઈ છે, ત્યારે નિયમોમાં છૂટછાટ મળી શકે છે. ૧૦૦ને બદલે ર૦૦થી ઓછા મહેમાનોને છૂટ આપવામાં આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેને ધ્યાને લઈ રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવાની દિશામાં ફેર વિચારણા શરૂ કરી દીધી છે. લગ્ન જેવા પ્રસંગોમાં ૧૦૦ મહેમાનોને બોલાવાની છૂટ છે, ત્યારે ૧૦૦માંથી ર૦૦ મહેમાનોને આમંત્રણ આપી શકાય તેમજ નિયંત્રણ હળવા કરવાની વિચારણા પણ ચાલી રહી છે. જો પ્રસંગોમાં વધુ મહેમાનોને છૂટ આપવામાં આવે તો પણ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વર્તમાન ધોરણે જ કરવી પડશે. ઉત્તરાયણ બાદ રાજ્યમાં હજારો લગ્ન યોજવાના છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના નવા કેસોમાં એકાએક ભારે ઉછાળો આવતા રાજ્ય સરકારે પ્રસંગોમાં મહેમાનની સંખ્યા પર નિયંત્રણ મૂકી દીધા હતા. રાજ્યમાં લગ્ન પ્રસંગના પ્રવર્તમાન કાયદા અંતર્ગત પ્રસંગ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને તેની હાર્ડકોપી રાખવી પડે છે. પોલીસ તંત્ર ઓચિંતા ચેકિંગમાં આવે તો રજિસ્ટ્રેશનની નકલ દેખાડવી પડે છે. રાજ્ય સરકારે ઓનલાનઈ રજિસ્ટ્રેશન માટે ખાસ પોર્ટલ બનાવ્યું જ છે. કોરોનાનું લોકડાઉન હળવુ બનાવવામાં આવ્યા પછી લગ્નમાં પ૦ લોકોની હાજરીની છૂટ આપવામાં આવી હતી, તે પછી વધારીને ર૦૦ કરાઈ હતી. દિવાળી બાદ કોરોના કેસોમાં એકાએક ઉછાળો આવતા ફરી સંખ્યા ઘટાડીને ૧૦૦ કરવામાં આવી હતી. આ તબક્કે પોલીસ પરવાનગી જરૂરી બનાવવામાં આવી હતી તે સાથે વિરોધ થતા નિર્ણય પાછો લેવાયો હતો અને માત્ર રજિસ્ટ્રેશનનો નિયમ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવવાની સાથે હવે રસીકરણ પણ શરૂ થયું છે, ત્યારે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા ૧૦૦માંથી વધારીને ર૦૦ કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં નિયમોમાં ફેરફાર કરી નિયંત્રણો હળવા કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here