• માળિયા(મી.)ના મોટી બરાર ગામે ગેરકાયદે કોલસેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું

રાજ્યના ઘણા વિસ્તારોમાંથી ગેરકાયદે કોલસેન્ટર પકડાયાં છે, જે મોટા ભાગે શહેરી વિસ્તારમાં ચાલતાં હોય તેવું જોવા મળ્યું છે, જોકે મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના મોટી બરાર ગામે ગેરકાયદે કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું, જેની બાતમીના આધારે માળિયા પોલીસે હાલમાં અમદાવાદની એક યુવતી સહિત 9 આરોપીને ઝડપ્યાં છે અને બ્રિટિશ નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

ઝડપાયેલા તમામ અમદાવાદના રહેવાસી
જાણવા મળતી માહિતી મુજબ, માળિયા મી.ના પીએસઆઈ એન.એચ.ચૂડાસમાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા મોટી બરાર ગામ નજીક ગેરકાયદે કોલસેન્ટર પર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી પોલીસે વિકાસ સુરેન્દ્ર ત્યાગી (34), મિરેશ જયેશ શાહ (36), જિતુ સબાસ્ટીન જ્યોર્જ (37), નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ (35), ઉમેશ હરેશકુમાર હીરાનંદાની (34), રાજેશ રૂબન ટોપનો (33), આકાશ યશવંતકુમાર રાવલ (27), કૌશલ કિરીટ પટેલ (31) તથા રિમા દિનેશ સોલંકી (28) રહે. તમામ અમદાવાદની અટકાયત કરવામાં આવી છે અને કોરોના રિપોર્ટ કરાવ્યા પછી ધરપકડ કરવામાં આવશે.

કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
માળિયા પોલીસે ગત રાતે મોટી બરાર ગામે એકલિંગ પેટ્રોલપંપ પાસે આવેલા મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાં કેટલાક યુવાનો કામ કરતા જોવા મળ્યા હતા, જેથી કરીને તપાસ કરવામાં આવતાં ત્યાં ગેરકાયદે કોલસેન્ટર ચાલુ હોવાની માહિતી સામે આવી હતી, જેથી કરીને પોલીસ સ્ટાફના જે.કે. ઝાલા, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, આશિષભાઈ ડાંગર અને નયનાબેન બોરિચાને બોલાવી મકાનની તલાસી લેતાં ત્યાંથી અમદાવાદની એક યુવતી સહિત કુલ 9 આરોપી મળી આવ્યાં હતાં, જેથી કરીને પોલીસે લેપટોપ અને કમ્પ્યુટર મળીને લાખો રૂપિયાનો મુદામાલ કબજે આગળની તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here