ડ્રગ્સ કનેક્શનને લઈને ઘણાં દિવસો સુધી જેલમાં બંધ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને શરતી જામીન આપ્યા છે. જ્યારે રિયાના ભાઈ શૌવિક અને ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી રિજેક્ટ કરી દીધી છે. સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ જામીન મળી ગયા છે. એનસીબીએ કહ્યું છે કે, કોર્ટે જેને પણ જામીન આપ્યા છે, તેની સામે તેઓ અપીલ કરશે.
- બોમ્બે હાઈકોર્ટમાં ડ્રગ્સ કેસ મામલે કરી સુનાવણી
- રિયા ચક્રવર્તીને મળ્યા જામીન
- શૌવિક અને ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી રિજેક્ટ
રિયા ચક્રવર્તીને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. રિયાએ તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. સાથે જ તેને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવુ પડશે. તમને જણાવી દઈએ કે, એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ લાવવાનો અને વેચવાનો આરોપ છે.
રિયા અને તેના ભાઈ શૌવિકની ઘણી ડ્રગ્સ ચેટ પણ સામે આવી ચૂકી હતી. સેમ્યુઅલ મિરાન્ડાની સાથે પણ રિયાની ડ્રગ્સ ચેટનો ખુલાસો થયો હતો. આ તમામ ચેટ્સ સામે આવ્યા બાદ રિયા, સેમ્યુઅલ, શૌવિકની એનસીબીએ ધરપકડ કરી હતી. રિયા અને શૌવિક સામે એનસીબીને ગંભીર પુરાવા મળતા તેમની ધરપકડ કરી ભાયખલા જેલમાં બંધ કરી દીધા હતા.
રિયાએ સારા અને રકુલનું નામ લીધું
એનસીબીની પૂછપરછમાં રિયાએ ઘણાં સેલેબ્સના ડ્રગ્સ કનેક્શન અને બોલિવૂડની ડ્રગ્સ પાર્ટી વિશે ખુલાસો કર્યો હતો. રિયાએ ડ્રગ્સના કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીતના નામ લીધા હતા. જેના આધારે એનસીબીએ સારા અને રકુલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન બંનેએ ડ્રગ્સ લેવાની ના પાડી હતી. રકુલે તો ડ્રગ્સને લઈને રિયા પર આરોપ લગાવ્યો હતો. તેણે એવું કહ્યું હતું કે તેના ઘરે રિયાએ ડ્રગ્સ મૂક્યું હતું, જેને રિયા ચેટમાં માંગી રહી હતી.