સવારથી વેક્સિન માટે આવેલા તમામ લોકોએ રાહ જોવી પડી
- સેશન બંધ હોવાને કારણે વેક્સિનનો બીજો ડોઝ લેવા પહોંચેલા પોલીસકર્મીઓ પણ પરત ફર્યા
કોરોના વેક્સિન માટેનો ત્રીજો તબક્કો આજથી શરુ થયો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરુઆત થવાની હતી. તેની સાથે સરકારે પણ નક્કી કરેલી કિંમતમાં પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મળવાની હતી. પરંતુ આ તમામ પ્રક્રિયા સેશન બંધ હોવાને કારણે અટકી ગઈ છે. આજે સવારે 9 વાગ્યાથી વેક્સિન લેવા માટે આવેલા સિનિયર સિટિઝન સહિતના લોકો વેક્સિનની રાહ જોઈને બેઠા છે. તેમને હોસ્પિટલ તરફથી સમજાવવામાં આવ્યાં છે.
બીજો ડોઝ લેવા પહોંચેલા પોલીસકર્મીઓ પણ પરત ફર્યા
અમદાવાદ શહેરના ચૂમુંડા બ્રિજ પાસે આવેલ GCS હોસ્પિટલમાં આજથી સિનિયર સિટીઝન અને અગાઉ વેક્સિન લીધી હોય તેનો બીજો ડોઝ એમ 2 તબક્કામાં વેક્સિન આપવાની શરૂઆત કરવાની હતી પરંતુ સવારથી વેક્સિન માટે આવેલા તમામ લોકોએ રાહ જોવી પડી છે કારણકે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું સર્વર એટલે કે સેશન બંધ છે.આ સેશનમાં વેક્સિન લેનારનું નામ, ઉમર, એડ્રેસ સહિતની નોંધણી કરવામાં આવે છે પરંતુ આ સેશન બંધ હોવાથી વેક્સિન પ્રક્રિયા હાલ અટકી છે.સેશન બંધ હોવાને કારણે વેક્સિનનો બીજો ડોઝ લેવા પહોંચેલા પોલીસકર્મીઓ પણ પરત ફર્યા હતા.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ હોસ્પિટલના કર્મચારીઓ સાથે તકરાર કરી
લોકોએ હોસ્પિટલના કર્મચારીઓ સાથે તકરાર કરી
250 રૂપિયામાં વેક્સિન લેવા આવેલા લોકો પણ લાંબા સમય સુધી રાહ જોયા બાદ હોસ્પિટલના કર્મચારીઓ સાથે તકરાર કરી રહ્યા હતા. જેથી હોસ્પિટલ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે.વેક્સિન અંગે GCS હોસ્પિટલના ડોક્ટર અર્પિતે જણાવ્યા મુજબ વેક્સિન માટેનું સેશન હજુ બંધ છે, કોર્પોરેશન તરફથી સેશન ચાલુ કરવામાં આવશે તે બાદ જ લોકોની નોંધણી કરવામાં આવશે અને વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં આજે 61 કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવશે
અમદાવાદના કલેક્ટરે આ અંગે કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં આજે 61 કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવશે, 7122 લોકો જિલ્લામાં કોમોર્બિડ છે. જેમને પ્રથમ ડોઝ આપવામાં આવશે, પહેલા ડોઝ બાદ અમે ખુદ બીજો ડોઝ લીધો છે પરંતુ હજી સુધી કોઈ સમસ્યા નડી નથી. અમદાવાદમાં 8 હજાર જેટલા હેલ્થવર્કર્સ હતાં. જેમનું 85 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે. અમદાવાદ ગ્રામ્યમાં 236 સેશન સાઈટ રહેશે. જયાં લોકોને વેક્સિન આપવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી
85 ટકા રસિકરણ પૂર્ણ થયું છેઃ અમદાવાદ DDO
જ્યારે અમદાવાદના પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે 92 ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. પરંતુ જે લોકોને ડૉક્ટરોએ રસી લેવાની ના પાડી છે તે લોકો જ બાકી રહી ગયાં છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે હેલ્થ વર્કર્સમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી છે. 85 ટકા રસિકરણ પૂર્ણ થયું છે.આર્મી, RPF, RAF, CISF, NSG ના જવાનોને રસી આપવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર અને પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓએ રસી લીધી
કલેક્ટર અને પોલીસ કમિશ્નરે પણ રસી લીધી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિકારીઓએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. અમદાવાદના પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે શહેરના 92 ટકા જેટલા પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધી છે અને ડોક્ટરોએ જે કર્મચારીઓને રસી લેવાની ના પાડી છે તે લોકો જ વેક્સિન લેવામાં બાકી રહી ગયાં છે.