તેમનું અપહરણ થયું ન હતું પરંતુ વેબ સિરીઝો જોઇને મુંબઇ તરફ આકર્ષાયા હતા અને ઘેરથી ભાગી ગયા હતા.

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૦માં અંગ્રેજી માધ્યમમાં ભણતી બે 14 વર્ષીય કિશોરીઓ એક્ટ્રેસ બનવા માટે ઘર છોડીને ભાગી ગઈ હતી. વેબ સિરીઝમાં એક્ટિંગ કરવા માટે ઘરથી નીકળી હતી. જોકે, ઘરેથી નીકળ્યા પછી બંને ગભરાઇ જતા પરિવારને પોતાનું અપહરણ થયું છે, તેમ કહીને પોલીસ અને પરિવારને દોડતા કરી દીધા હતા. પોલીસે બંને બહેનોને ભરુચ પાસેથી શોધી કાઢી હતી.

માંજલપુર વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, તેની ૧૪ વર્ષની દીકરી અને ભાણીનું લગ્નની લાલચ આપી અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે કિશોરીનો ફોન તેની માતા પર આવ્યો હતો અને અપહરણ થયાનું જણાવ્યું હતું. એટલું જ નહીં માર માર્યાનું પણ જણાવ્યું હતું. તેમજ બંને વાપી હોવાનું કહ્યું હતું.

આથી તાત્કાલિક પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વાપી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી પરુંત બંને બહેનો સ્થળ પર મળી ન હતી. થોડા સમય પછી કિશોરીએ ફરીથી ફોન કર્યો અને જણાવ્યું કે, અપહરણકારો તેમને કારમાં ભરુચ છોડી ગયા છે. જેથી પોલીસે ત્યાં તપાસ કરતાં તેઓ મળી આવ્યા હતા.

પોલીસે મળી આવેલી બંને કિશોરીઓની પૂછપરછ કરતાં બંનેએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનું અપહરણ થયું ન હતું પરંતુ વેબ સિરીઝો જોઇને મુંબઇ તરફ આકર્ષાયા હતા અને ઘેરથી ભાગી ગયા હતા. તેઓ એસ.ટી. ડેપો પર પહોંચીને બસમાં બેસી મુંબઇ જવા માટે નીકળ્યા હતાં પરંતુ રસ્તામાં બીક લાગતા ઘરના સભ્યોને સાચું કહેવું ના પડે તે માટે અપહરણ માટેનું નાટક કર્યું હતું. બંને બહેનોએ ઘેરથી લીધેલી રોકડ રકમ પણ સાથે રાખી હતી. બંનેએ પોતાનું સ્કૂટર જય અંબે સ્કૂલ પાસે મૂક્યું હતું, જે મળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here