• ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, આધારકાર્ડ સહિતના પુરાવા આપ્યા બાદ ઈન્જેક્શન મળી રહેશે, 3000થી વધુ ઈન્જેક્શનનો જથ્થો રખાયો

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે સૌથી વધુ મોટી સમસ્યા હોય તો ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવાની. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે તંત્રએ હવે રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ એક જ સ્થળેથી કરવાનો નિર્ણય લઈને કુંડલિયા કોલેજ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કર્યુંછે. આ કેન્દ્ર ઉપર 3000 જેટલા ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઈને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા જરૂરિયાતમંદ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી મીનાબેન કુંડલિયા કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. અહીંથી 24 કલાક ઇન્જેક્શન મળી રહેશે.

3000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ રખાયો
આ અંગે પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આજથી શરૂ થયેલા વિતરણ કેન્દ્ર ઉપર 3000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. આ માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂરિયાત મુજબ ડિમાન્ડ મુકવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, કેસની હિસ્ટ્રી, દર્દીના આધારકાર્ડની નકલ તથા દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત આપવાનો રહેશે. તેમણે જણાવ્યું કે દર્દીઓ અહીં સવારે 7થી બપોરે 2, બપોરે 2થી રાત્રે 10 અને રાત્રે 10થી સવારે 7 વાગ્યા સુધી એમ 24 કલાક ઈન્જેક્શન મેળવી શકશે.

ઈન્જેક્શનને સાચવવા માટે 30 ડિગ્રીથી નીચા તાપામનમાં સ્ટોર કરવા માટે ફ્રીઝની સુવિધા
અહીં જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ શહેરની ખાનગી હોસ્પિટલો મળી કુલ 31 જેટલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ તથા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને કલેક્ટર ઓફિસના કંટ્રોલરૂમ દ્વારા નક્કી કરવામાં આવે તે જ દર્દીઓને અહીંથી ઈન્જેક્શન મળી શકશે. તેમજ ઈન્જેક્શનને સાચવવા માટે 30 ડિગ્રીથી નીચા તાપામનમાં સ્ટોર કરવા માટે ફ્રીઝની સુવિધા પણ કરવામાં આવી છે. જે વ્યક્તિઓને આ ઈન્જેક્શન આપવામાં આવે તેના નામ-નંબર મુજબ તેમનું દરરોજનું રજીસ્ટર પણ મેઈન્ટેઈન કરાશે. આ માટે સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજનો સ્ટાફ મદદરૂપ થઈ રહ્યાંનું જાણવા મળી રહ્યું છે. હવે કોવિડ હોસ્પિટલ સિવાયના એમ.ડી. તબીબો પણ ઈન્જેક્શન માટે પ્રિસ્ક્રિપ્શન લખી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here