હિંમતનગર તાલુકા પંચાયતમાં સત્તા કબ્જે કરવા માટે ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સભ્યોની ખેંચતાણ ચાલી રહી છે ત્યારે થોડા સમય અગાઉ ભાજપે કોંગ્રેસના સભ્યોને પક્ષપલ્ટો કરાવીને સત્તા આંચકી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસમાંથી આવેલા એક સભ્યને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવી દીધા હતા જે અંગેનો મામલો ગુજરાત રાજ્યના નમોદિષ્ટ અધિકારી સમક્ષ પહોચતા તાજેતરમાં તે અંગે ચુકાદો આવ્યો હતો. જેથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બે સભ્યો પરત કોંગ્રેસમાં આવી જતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયુ છે. દરમિયાન ગુરૂવારે કોંગ્રેસે ઉપપ્રમુખની ચેમ્બરના દરવાજા ખોલીને કબ્જો જમાવી દીધો હતો. જેને લઈને તાલુકા પંચાયતમાં રાજકારણ ગરમાયુ છે.

સત્તાની લાલચે ભાજપનો ખેસ પહેર્યો

હિંમતનગર તાલુકા પંચાયતમાં થોડા સમય અગાઉ ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ ટર્મ પુર્ણ થયા બાદ કોંગ્રેસના ૩ અને એક અપક્ષે સત્તાની લાલચ રાખીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. ત્યારબાદ બીજી ટર્મમાં આ ભાજપમાં આવેલા મહિલા સભ્યને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા જેથી કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના સદસ્ય હરેશકુમાર પ્રજાપતીએ પક્ષાંતરધારા આ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારીની કચેરીમાં દાદ માંગી હતી. જેમાં મમતાબેન સરતાનજી મકવાણા, નયનાબેન ગીરીશકુમાર પટેલ અને ધુળસિંહ મુળસિંહ રહેવરને ગેરલાયક ઠેરવવા માંગ કરી હતી.

સત્તાની સાઠમારી વચ્ચે આ બંનેને કોંગ્રેસમાં સમાવી લેવાની પેરવી

બીજી તરફ આ અંગે રાજકીય કાવાદાવાને ધ્યાનમાં રાખીને હરેશકુમાર પ્રજાપતીએ આ દાદ પરત ખેંચવા માટે મન મનાવી લીધુ હતું. જોકે સત્તાની આ સાઠમારી વચ્ચે મમતાબેન મકવાણા અને ધુળસિહ રહેવરને પાછા કોંગ્રેસમાં સમાવી લેવાની પેરવી કરી હતી. જેમાં તેઓ સફળ થયા હોવાનો દાવો કરીને રાજકીય દાવપેચ મુજબ અને આગામી સમયમાં યોજાનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય તે આશયથી ગુરૃવારે હિંમતનગર તાલુકા પંચાયત કચેરીમાં જઈને ઉપપ્રમુખની ચેમ્બરનો દરવાજો ખોલી હરેશભાઈ પ્રજાપતીએ ખુરશીમાં ધુળસિંહને બેસાડી દીધા હતા.

ચૂંટણીપંચ દ્વારા નવા સીમાંકનની પ્રસિદ્ધિ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણીપંચ ધ્વારા નવા સીમાંકનની પ્રસિધ્ધિ કરી દીધી છે અને વાંધા સુચનો પણ મંગાવી લેવામાં આવ્યા છે ત્યારે તાલુકા પંચાયતમાં સત્તાની સાઠમારી માટે ચાલી રહેલા રાજકીય કાવાદાવાના ખેલ મતદારો તથા તાલુકા પંચાયતના અધિકારીઓ જોઈને મંદમંદ મલકાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તાલુકા પંચાયતમાં કોણ અને ક્યારે કારોબારી બેઠક અને સામાન્ય સભા બોલાવે છે તે તો સમય બતાવશે.ઉલ્લેખનીય છે કે હિંમતનગર તાલુકા પંચાયતમાં સત્તાની સાઠમારી વચ્ચે ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવા કોના કેટલા કારગત નિવડશે તે અંગે તો કાયદાના નિષ્ણાતો કાયદાનો અભ્યાસ કર્યા બાદ જે નિર્ણય જાહેર કરશે તેના પર બંને પક્ષના સદસ્યોએ સ્વિકારવુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here