સુરતના કાપડ માર્કેટે દિવાળી વેકેશન ટૂંકાવ્યું હોવાના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કાપડ માર્કેટમાં આ વર્ષે માત્ર પાંચ દિવસનું જ દિવાળી વેકેશન રહેશે. અગાઉ દિવાળી વેકેશન બે અઠવાડિયા રહેતું. વિવર્સ પણ 10ના બદલે 5 દિવસનું વેકેશન રાખશે. દિવાળીથી લાભપાંચમ સુધી વેકેશન રહેશે.
દિવાળી આડે માંડ એક મહિનાનો સમયગાળો રહી ગયો છે ત્યારે, વિવિધ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમાં દિવાળી વેકેશન તથા દિવાળી રજાની પૂછપરછ શરૂ થઇ છે. દરમિયાન ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા દિવાળી વેકેશન રાબેતા મુજબ રહેવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
જે અંગે ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, 14 નવેમ્બરના રોજ દિવાળી પૂજા બાદ બંધ રહેશે. 14 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી બંધ રહેશે. 18 નવેમ્બરના રોજ લાભપાંચમના મૂહર્તમાં માર્કેટ ફરી કાર્યરત થશે. 14થી 18 નવેમ્બરના અરસામાં જો કોઇએ મૂહર્ત પૂજા માટે દુકાન ખોલવી હોય તો, માર્કેટ એસોસિએશનની મંજૂરી લઇ ખોલી શકશે. વધુમાં જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા સૂચિત કોરોના ગાઇડલાઇનનુ પાલન કરવાનુ રહેશે. જ્યારે માર્કેટ સિક્યોરીટી તથા કેમેરા વ્યવસ્થાની તકેદારી રાખવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, શહેરના હીરાઉદ્યોગ અને કાપડઉદ્યોગમાં દિવાળી વેકેશનને લઇ ચર્ચા છે. હીરાઉદ્યોગકારોએ આ વર્ષે દિવાળી વેકેશન ટૂંકુ રહેવાના સંકેત આપ્યા છે. જોકે, તે કેટલા દિવસનુ રહેશે તે અંગે ડાયમંડ એસોસિએશન કે અન્ય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી તરફ વિવર્સ દ્વારા પણ આ વર્ષે ગ્રે કાપડની ડિમાન્ડ વધુ હોય તથા ઉત્પાદન ઘટયું હોય લાંબી રજા શક્ય નહિ હોવાનો મત રજૂ કર્યો છે. જેઓ દ્વારા પણ ત્રણથી ચાર દિવસની રજાના સંકેત અપાયા છે. એકંદરે તમામ સ્તરે ચારથી પાંચ દિવસની રજા રહે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.