ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગેંગરેપ કેસની હાલ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન શનિવારે હાથરસ કેસમાં નક્સલ કનેક્શન (Naxal Connection) સામે આવતા ખળભળાટ મચ્યો છે. કેસની તપાસ માટે બનાવવામાં આવેલી ખાસ ટીમ મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતી એક મહિલાને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શકમંદ નક્સલી મહિલા પીડિતાના ઘરે ભાભી બનીને રહેતી હતી.

  • હાથરસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો
  • તપાસમાં સામે આવ્યું નક્સલ કનેક્શન
  • નક્સલી મહિલા નકલી ભાભી બનીને રહેતી હતી

એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી પીડિતાના ઘરે રહીને આ મહિલા મોટું ષડયંત્ર ઘડી રહી હતી. આ પહેલા પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે  આ કેસ સાથે જોડાયેલા ફંડિંગ કેસમાં પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયા (PFI) અને ભીમ આર્મીનું કનેક્શન પણ મળ્યું છે. હાથરસ દુષ્કર્મ કેસમાં આજે SIT ફરીથી ઘટનાનું રિકન્ટ્રક્શન કરશે. આ સાથે જ પીડિતાના પરિવારની ફરીથી પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર SITએ 40 જેટલા ગામલોકોની પણ  પૂછપરછ કરી છે. 

ફોન ડિટેલમાં સામે આવી વિગતો

હાથરસ કેસની તપાસ કરતી એસઆઈટીના સૂત્ર કહે છે કે નક્સલી મહિલા ઘૂંઘટ કાઢીને પોલીસ અને એસઆઈટી સાથે વાતચીત કરતી હતી. ઘટનાના બે દિવસ બાદ જ આ શંકાસ્પદ મહિલા ગામ ખાતે આવી પહોંચી હતી. આરોપ છે કે તેણી પીડિતાના ઘરે જ રહીને તેના પરિવારના સભ્યોને કથિત રીતે ઉશ્કેરી રહી હતી. પીડિતાની ભાભી બનીને રહેતી નક્સલી મહિલાના ફોનની કૉલ ડિટેઇલ કાઢવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અનેક લોકોની તપાસ હજી પણ ચાલુ

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે વિદેશ ફંડિંગ સાથે નક્સલી કનેક્શન અંગે ઉત્તર પ્રદેશ પોલીસ અને એસઆઈટી કામ કરી રહી છે. આ પહેલા એસઆઈટીની તપાસમાં જાતિય તેમજ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસ મહિલા તેમજ તેના નજીકના લોકોની શોધખોળ કરી રહી છે. આ કેસમાં SIT ચાર ડઝન જેટલા લોકોની પૂછપરછ કરી ચૂકી છે. હાથરસ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, આ લોકોને પીએફઆઈના સભ્યો કહેવામાં આવી રહ્યા છે.

 
નેપાળ સરહદ પર પીએફઆઈની હિલચાલ

ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓમાં એક બહરાઇચના જરવલનો રહેવાસી છે.  બહરાઇચ પોલીસનું કહેવું છે કે આ વિસ્તાર ઇન્ડો-નેપાળ સરહદ સાથે જોડાયેલો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોની આ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આથી એવી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું દેશમાં જાતિય તેમજ સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માટે ભારત-નેપાળ સરહદ પર પીએફઆઈની હિલચાલ ચાલી રહી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here