ભારત અને ચીન વચ્ચે ઇસ્ટર્ન લદ્દાખમાં LAC પર તણાવપૂર્ણ સ્થિતિને હળવી કરવા માટે આજે ચુશુલમાં બંને દેશના સૈન્ય કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય સાતમી બેઠક યોજાશે. આ બેઠકમાં ભારત ચીનને દરેક પોઈન્ટ પરથી તેમના સૈન્યને પાછું હટાવવાની કામગીરી વહેલી તકે કરવા પર ભાર મૂકશે. જોકે, ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે ચીને લદ્દાખને યુનિયન ટેરિટરીને માન્યતા આપી નથી તે નિવેદન બાદ આ પહેલી સિનિયર મિલિટ્રી સ્તરની મીટિંગ છે.

કેટલાક અહેવાલો મુજબ ચીને દેપસાંગ વિસ્તારમાં સૈનિકોની સાથે ટેન્કો પણ તૈનાત કરી દીધી છે. ચીને દેપસાંગ સેક્ટરમાં 25 વધારાની ટેન્કો અને 25 જેટલા ઈન્ફ્રન્ટ્રી કોમ્બેટ વ્હિકલ તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં અગાઉથી જ ચીનના 3,000થી વધુ સૈનિકો અને 50 જેટલી ટેન્કો તૈનાત છે. ચીને આ વિસ્તારમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય તેવા મિસાઈલ, ઓટોમેટિક ગન્સ, રોકેટ લોન્ચર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી દીધી છે. ચીને મધ્યમ રેન્જના એચક્યુ-16 અને થોડીક લાંબી રેન્જના એચક્યુ-9 મિસાઈલો પણ આ સેક્ટરમાં ગોઠવી દીધા છે.

દેપસાંગ વિસ્તારમાં ટેન્કો અને આર્મર્ડ વ્હિકલ્સને સરળતાથી ગોઠવી શકાય છે. જોકે, પેંગોંગ લેકના ઉત્તરીય ભાગોમાં સૈન્ય ગોઠવણીમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, ત્યાં પણ ચીને 5,000થી વધુ સૈનિકોનો ખડકલો કરી દીધો છે. ચીને આ વિસ્તારમાં કેટલીક તોપો પણ ગોઠવી છે.

મિલિટ્રી હોસ્પિટલની બાજુમાં ચીન હેલિપેડ પણ બનાવી રહ્યું છે. તેનું હેતુ એ છે કે કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ઘાયલ થનાર પોતોના જવાનોને ચીન ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી શકે. જો કે ચીનની આ હરકતોને ધ્યાનમાં રાખતા ભારત પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છે. જેથી કરીને પાડોશી દેશને તેની જેમ જ જવાબ આપી શકે.

તણાવ ઓછો કરવાનું ભારત ભારપૂર્વક ચીનને કહેશે

દરમ્યાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વધેલી તંગદિલી હળવી કરવા માટે બંને દેશના સૈન્ય કમાન્ડરોની સોમવારે વધુ એક બેઠક યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશના સૈન્યના ઉચ્ચ સ્તરીય કમાન્ડરોની આજે સાતમી બેઠક યોજાઈ રહી છે, જેમાં ભારત ચીનને સૈનિકો વહેલી તકે અને સંપૂર્ણપણે પાછા ખેંચવા પર ભાર મૂકશે. એક સિનિયર અધિકારીના મતે ભારત ઇચ્છે છે કે આખા ઇસ્ટર્ન લદ્દાખ પર વાત થાય અને દેપસાંગથી શરૂ થઇને અંતમાં પેંગોંગ ઝીલના દક્ષિણ છેડાને લઇ ચર્ચા કરાય. બીજીબાજુ ચીન ઇચ્છે છે કે સૌથી પહેલાં દક્ષિણ કિનારા પર જ વાત થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here